Bharatendu

Bharatendu

Bharatendu

પાને પાને દીવા બળે માડી ; ડાળે ડાળે દેવી રમે માડી…” ભક્તિભાવથી પરિપ્લાવિત સ્વરમાં સ્ત્રીવૃન્દને ઘૂઘરમાળ ધમકાવતા બળદ ગેરુઆ શીંગડા ડોલાવતા જાણે તાલ પુરાવતા હોય તેમ બળદગાડું ખેંચતા દોડતાં હતાં. બળદગાડામાં સમૂહપૂજા માટેની સામગ્રી ભરેલી કુરકીની(ટોપલી)માં ઘીની નાળ , દુધની ડોચરી, નવું ધાન્ય અને લીલાં  શાકને ખોળામાં  દુધપીતા બાળકની જેમ સાચવતી, કચ્છ મારીને કળાત્મક પહેરેલાં  તપખીરીયા લૂગડા અને કાચની લીલી બંગડીઓથી ભરેલા હાથવાળી અશુ તારલાઓની વચ્ચે શોભતા ચાંદની જેમ નોખી દેખાતી હતી. ભગત હાથમાં મોરપિચ્છ લઈ અગ્રેસર ચાલતાં , દેવડોવળી વાદ્યકારો અને પુરુષો ઘુઘરિયાળી લાકડી લઈને ધોતી, કફની અને માથે ટોપી પહેરી સમુહમાં પગપાળા ચાલતા હતાં.

‘લો પહેલો પડાવ આવી ગયો.’ કહી બધાં  સ્નાન કરીને દેવલીમાડીના તળેટીના સ્થાનક તરફ ચાલ્યા.

 

શિખર સ્થાનક તરફ જતાં ભક્તગણ તળેટીમાં ઝટપટ પૂજાપો ચઢાવી મરઘી પાછળ દોડતાં  બચ્ચાંની જેમ ઝડપથી ચાલતા હતાં. નહિવત ભીડ હતી.  અશુએ માતાજીના સ્થાનકે પૂજાપો ચઢાવ્યો..અને મનોમન પ્રાર્થના કરી. ‘ એ , ચલ જલદી.’ પતિ રાયસંગનો અવાજ આવ્યો. ‘હું જાઉં છું શિખર પર, તું આવ.’

‘ સાથે જઈએ , ઉભા રહો તો..હું એકલી પડી જઈશ.’ અશુના શબ્દો પહોંચે તે પહેલાં રાયસંગ ટેકરી પર પગલાં માંડતો દેખાયો.

 

અશુએ ભારપૂર્વક માતાજીને પ્રાર્થના કરી : ‘હે માડી, તારું સત પાછું ન પડે,  ચારો જુગ તારો પરતાપ રહે, દેવલીમાડી મને એવો પુરુષ દે જે મારી હરેક ઈચ્છા પૂરી કરે.’

 

શિખર હલતું લાગ્યું, ધરતી ક્મ્પ્તી લાગી , અશુએ જોયું દેવલીમાડી એની સન્મુખ ઉભા છે.. ‘હા, કેવો દેખાવ જોઈએ તને પુરુષનો ?’

 

‘એની આંખો અને પ્રેમ દરિયા જેવો હોય, એ ગોવાલદેવ જેવો સુંદર હોય.’

‘દીકરી, તું એનું એક નામ ધારી લે. એ નામ તું બોલશે એટલે તારી સામે આવશે, એ તને જ દેખાશે, એ તને પ્રેમ કરશે પણ શરીરસુખ નહી આપે, કારણ કે એ દૈવી આત્મા છે, જો એ દેવલોકના નિયમનું ઉલ્લંઘન કરશે તો એણે ધરતીલોકમાં જ નિવાસ કરવો પડશે. આ ઘીની નાળમાં એ રહેશે, પણ જો ઘીની નાળ જમીન પર પડી ગઈ તો એ ઉડી જશે, પાછો નહી આવે.’

‘માડી, અમને સ્ત્રીઓને સદીઓથી પ્રેમની જ ભૂખ રહી છે ,હૂંફની તરસ રહી છે,’  અશુને યાદ આવ્યું નળધરાના  જયસીંગ જાગીરદારનો સ્વરૂપવાન અને શુરવીર સુપુત્ર ભારતેન્દુ  દશેરાના દિવસે તલવાર ખેલતો ત્યારે કિશોરીઓના વૃંદમાં અશુની ધડકન જાણે ભારતેન્દુ…ભારતેન્દુ નામ જપતી ! પ્રત્યેક સ્ત્રીની જેમ એણે એના કલ્પનાપુરુષનું નામ જડી ગયું હતું ..ભારતેન્દુ. એ ઝટપટ બોલી ગઈ : ‘ભારતેન્દુ’ નામથી બોલાવીશ હું એને માડી. હું આ ઘીની નાળને જીવની જેમ જાળવીશ.’

સમૂહપૂજામાંથી બધાં પાછા ફર્યા. ઘરે આવી અશુએ સૌથી પહેલું કામ ઘીની નાળને માળિયાના મોભના ખીલે ભેરવવાનું કર્યું. રાયસંગ મોડો મોડો ઘરે આવ્યો અને પથારીમાં સુઈ ગયો.

 

‘આજે ચાંદરણું છે, ચલો , બે ઘડી બહાર બેસીએ, નાચણું હશે આજે.. ’

અશુએ કહ્યું.

‘સુઈ જાને તું.’ કહી રાયસંગ પડખું ફરીને સુઈ ગયો અને નસકોરાં બોલાવવા મંડ્યો. મધરાત થઈ, અશુને ઊંઘ નહોતી આવતી, નળિયા અને માટીની ભીતમાંથી ચાંદરણું ઘરમાં રેલાતું હતું.

 અશુ ઉઠી અને મોભવાળા મધ્યખંડમાં ગઈ. એણે ધીરેથી હાક મારી : ‘ભારતેન્દુ…ઓ..ભારતેન્દુ..’

અને એની સામે આવીને એક દેવાંશી યુવાન ઊભો રહી ગયો, ‘ બોલ અશુ.’

અશુએ એનો હાથ પકડી લીધો.

 ‘ચલ, આપણે નાચણામાં જાઈએ.’ પળવારમાં તો જાણે બેઉ હવામાં ઓગળી ગયાં. ડોવાળના તાલે બેઉ નાચ્યા, થાકીને લોથપોથ થઈ ગયાં, ચાંદરણાંમાં ખળીમાં કુંધવામાં બેઉ લેટી પડયા અને થાક ઉતરતાં જ ડુંગરની ટોચ પર જઈ પહોંચ્યા.

 

ખુલ્લાં આકાશ તળે , ચાંદને જોતો હોય તેમ ભારતેન્દુ અશુને પ્રેમ નીતરતી આંખે જોઈ રહ્યો. એના આલિંગનમાં અશુને અસીમ અદભૂત સુખની પ્રાપ્તિ થઈ રહી હતી.

 

‘ ભારતેન્દુ, તું નહી હોય તો હું શું કરીશ ?’

ભારતેન્દુએ એની હડપચી ઉંચી કરી અને રસઝરતાં ચાંદરણાંમાં કહ્યું કે, ‘ અશુ, પ્રેમ તો મનમાં હોય છે, એને તું બહાર ન શોધ, તારો ભારતેન્દુ તારા મનમાં છે,  હું હરપળ તારી સાથે સદેહે હોઉં કે ન હોઉં પણ હું તારા મનમાં હમેશા રહીશ, જીવતો રહીશ. આપણા પ્રેમની આ પળો, આ યાદો તારી હરેક પળને ખુશનુમા બનાવી દેશે.’

 

ઘરે આવીને અશુએ કહ્યું, ‘ મળીશું કાલે.’ કહી ભારતેન્દુથી વિદાય લીધી. અઠવાડિયું વીતી ગયું. અશુ ખુબ ખુશ હતી, એને જિંદગી જીવવા જેવી લાગતી હતી.

 

ભારતેન્દુ એને નદીકાંઠે, ગાઢ અરણ્યમાં  કે ઘરને ખૂણે છાનુંછપનું કહેતો, ‘ મારી અશુ, તું હમેશા આમ હસતી રહેજે.’

 

એક દિવસ વહેલી સવારે જાણે આખું ઘર ધ્રુજી ઉઠ્યું. ‘અલી , એય, આ શું ટીંગાડ્યુ છે તે મોભ પર ? તમ્બાકુની ઢોચકી લેવા માળિયા પર ચઢ્યો ને આ ઘીની નાળ હાથમાંથી છટકી ગઈ.’

 

‘ શું ? શું કીધું તમે ?’ કહેતાં અશુ હૈયાફાટ રડી પડી.

‘અરે, ઘી ડોચરી  કોઠારમાં છે તો ..શું રડતી હશે આ ?’

 

જાણે હવાની એક ઠંડી લહેરખી આવી અને અશુના મનમાંથી એક અવાજ ઉઠ્યો, ‘ અશુ, હું અહી જ છું, તારા મનમાં. ઈચ્છે ત્યારે બોલાવી લેજે, હાજર થઈ જઈશ. પવિત્ર અને સાચો પ્રેમ તો દેવલોકમાં પણ દુર્લભ છે, મર્ત્યલોકનું અમૃત છે પ્રેમ , અશુ જે પ્રેમ કરે છે તે જીવી જાય છે, બાકી પ્રેમકૃપણ લોકો જો જીવતાં છતાં મરેલાં છે. હું સાચું કહું છું, દેવલોકના નિયમો તોડીને તારા પ્રેમપાશમાં હું બંધાઈ ગયો છું.’

 

અશુના હોઠ પર હાસ્ય વિસ્તરતું ગયું ..વિસ્તરતું ગયું…એના હોઠ નામ જપી રહ્યા : ‘ભારતેન્દુ…ભારતેન્દુ..’ એનું માથું ભારતેન્દુના ખભા પર ઢળી ગયું. એની આસપાસ ચોપાસ જાણે ફૂલોનો વરસાદ વરસી રહ્યો. એ ભારતેન્દુના કાનમાં કહી રહી હતી :

‘ભારતેન્દુ,

મારી પ્રેમની પરિભાષાનું પૂર્ણ રૂપ તું છે ;

મારા કલ્પનાપુરુષનું સદેહ સ્વરૂપ તું છે..’