Dwija

Dwija

Dwija

ચાલીએ એટલે રસ્તો મળી જ જવાનો અને સંગાથ પણ મળી જ જવાનો.

 મેં ચાલવાનું શરુ કર્યું. પ્રેમયાત્રાનો રસ્તો પથરાળ હતો.. કરાળ દુર્ગમ હતી અને શિખર ઘણું ઉંચે હતું. પ્રેમ મારી ભીતર છલોછલ હતો. મને રસ્તે બધાં મળતાં અને હાથ હલાવી, સ્મિત કરતાં ઝડપી ચાલે પસાર થઈ જતાં. એ બધાને ખુબ ઉતાવળ હતી. મારે ધીરજથી ચઢાણ કરવું હતું. ધીરે ધીરે ચોતરફ ફેલાયેલી વનરાજી, ફૂલોભરેલી ખીણ, કાંટાળા થોર , ગીતો ગાતા પક્ષીઓની ભાષા ઉકેલતાં ઉકેલતાં હું ચાલી રહી હતી. શિખર સર કરીને આવેલાં પર્વતારોહકો સામે મળતાં..કોઈ નીચે મુખે ચાલ્યા જતાં , જાણે ઉપલબ્ધિઓને મમળાવતાં ન હોય ! કેટલાંક સાવ નીરસ અને નિરાશ થઈને ચાલી આવતાં મેં જોયાં. પૂછવું હતું મારે પણ બધાં એટલાં ઉતાવળમાં ચાલ્યાં જતાં કે જાણે સંસારમાં કંઈ ફરી હાથમાંથી છૂટી જવાનું ન હોય.

ભારતેન્દુ મને મળી ગયો હતો. રસ્તે ચાલતાં ચાલતાં. આ સ્વપ્ન હતું કે સત્ય ? હું ક્યારેક ઝકઝોરી જોતી હતી જાતને. હું સવારે જાગી અને મેસેજ જોયો. ‘હું આવું છું..’ 

સવાર જાણે સુરમયી થઈ ગઈ હતી. મેં માને કહી દીધું હતું કે , ‘ એ આજે આવે છે.’ 

માએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું હતું : કોણ ?

મેં ધોયેલા વાળને સંવારતા  કહ્યું હતું : અરે, ભારતેન્દુ .

‘ તે એ છે ? ભારતેન્દુ ?’

‘હાં, છે જ ને . જીવતો જાગતો . માણસ છે. પાંચ ફૂટ સાત ઈંચ ઉંચો, કાળી આંખો, મજબૂત બાંધો અને દેખાવડો યુવાન. પ્રોફેસર છે બાજુના શહેરમાં. અર્થશાસ્ત્રનો. રીસર્ચ પેપર પ્રેઝન્ટેશન કરતો હોય ત્યારે માં તું એને જુએ ને તો તું પણ એના પ્રેમમાં પડી જાય .. ’ હું એકીશ્વાસે બોલી ગઈ.

માએ ગાલ પર ટપલી મારતાં  કહ્યું : ‘ જોઉં તો ખરી તારી પસંદ છે કેવીક ? ભૂલતી નહી કે અવિનાશ અને આરત છે ’

એકદમ જાણે માએ ગેસ બંધ કરી દીધો હોય તેમ મારો ઉત્સાહ દુધના ઉભરાની જેમ બેસી ગયો. મેં દીવાલ પર જોયું. સારસ બેલડીની જેમ અવિનાશ સાથે મારો યુગલ ફોટો શોભી રહ્યો હતો. સાથે અમારે લગ્નજીવનનો ત્રીજો ખૂણો એવો આરત છટાદાર રીતે ઊભો હતો. અમારો પુત્ર આરત વિદેશ ગયો હતો આ જ વર્ષે અભ્યાસ માટે. 

હું બેસી ગઈ. અવિનાશ કંપનીના કામે દિલ્હી ગયો હતો. એણે  અવારનવાર જવું પડતું. સાસુ-સસરા મારી નણંદ સાથે ન્યુઝીલેન્ડ રહેતાં હતાં. આરતને એમણે જ આગ્રહ કરીને તેડાવી લીધો હતો. મારી એકલવાયી માને મારી એકલતામાં સાથ આપવા માટે અવિનાશે જ આગ્રહ કરીને તેડાવી હતી : ‘ બોલાવી લેને મમ્માને . તું એકલી બોર થઈ જઈશ. મારે તો મહીને બે-ત્રણ વિઝીટ દિલ્હી હોય જ.’

મને એકલું લાગતું . કોલેજ મોર્નિંગ હતી. બપોર પછી ફ્રી. સેમિનારમાં જતી. ભારતેન્દુ સાથે મુલાકાત થઈ હતી. ઝ્ક્ક્કાસ પેપર પ્રેઝન્ટેશન પછી મેં એના વખાણ કર્યા હતાં. ટ્રેનમાં સાથે જ  બેઠાં ત્યારે ખબર પડી. 

‘ અરે, હું પંચોલી કોલેજમાં જ છું ; તમારી પડોશી કોલેજ .’

‘હમમ , એટલી નવી સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ખૂલી છે કે ..’

‘અમારી ડીમ્ડ યુનિવર્સીટી છે.’

‘આવો ક્યારેક…’ કહેતાં એણે કોલેજ પરિસર અને બિલ્ડીંગના પીક્સ દેખાડ્યા. 

‘ખરેખર આવી સરસ કોલેજ હોય તો મઝા આવે.’

‘ તમારો નંબર આપો. ઈફ યુ ડોન્ટ માઈન્ડ.’

‘ એક પ્રોફેસર એક પ્રોફેસરના કોન્ટેક્ટ નંબર નહી આપે તો કોને આપશે ?’ 

‘ તમારો નંબર ..’

‘સેવન જીરો ..’

‘લો મેં મિસ્ડ કોલ કર્યો તમને . આ મારો નંબર છે. ભારતેન્દુ ચૌહાણ. નામ તો ખબર છે ને ?  ઇકોનોમિકસ પ્રોફેસોર.’

‘ તમને કોણ નથી ઓળખતું ? મને પણ શીખવાડો એ  રીતે રીસર્ચ પેપર  રેડી કરતાં અને પ્રેઝેન્ટ કરતાં.’

 ‘વ્હાય નોટ ?’

અને ..બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં, છટ્ઠા, સાતમા સ્ટેટ અને નેશનલ લેવલના સેમિનારમાં મારા પેપર પ્રેઝેન્ટેશનની વાહ વાહ થઈ  અને પેપર્સ જર્નલમાં પબ્લીશ થઈ ગયાં. 

વારાણસીથી પાછા વળતાં ભારતેન્દુએ હસતાં હસતાં કહ્યું : ‘ સો નાવ યુ આર ધ સ્કોલર પ્રોફેસોર ઓફ ગુજરાત.’

‘ભારતેન્દુ, એના મૂળમાં તમે છો. તમારા વગર તો હું એકડા વગરનું મીંડું.’

‘રીઅલી..અસ્મા , આઈ લવ યુ.’

‘આઈ લવ યુ ટુ.’ કહેતાં એના હાથને દબાવતાં મેં હુંફાળો પ્રત્યુત્તર આપ્યો. ખબર જ નહી પડી કે ક્યારે અમે મિત્રો બન્યા અને ક્યારે પ્રેમમાં પડયા. 

‘એન્ડ આઈ વોન્ટ તો મેરી વિથ યુ .’

‘બટ , યુ નો . વી આર બોથ મેરીડ.’

‘પોસીબલ. ઈફ યુ વોન્ટ.’

‘કેવી રીતે ?’

અને મારી આસપાસ ‘કેવી રીતે ?’ ના અસંખ્ય  પ્રશ્નાર્થ વંટોળની જેમ ગોળ ગોળ ઘૂમી રહ્યા હતાં. હું એ વંટોળમાંથી બહાર નીકળવા મથતી હતી. પરંતુ બધું વ્યર્થ હતું. બધું ઠીક નહોતું થતું . મને અપરાધભાવ પીડી રહ્યો હતો. 

મેં માને  વાત કરી હતી . પહેલાં તો એણે વિરોધ કર્યો હતો. ‘ ના, એ શક્ય જ નથી. આ ઉમ્મરે તે વળી પ્રેમમાં પડાય ? શોભે પણ નહી. દીકરો હવે જુવાન થઈ જશે તારો..’ પરંતુ એક વાર ઘરે આવે તો વાંધો નહી કહેતાં મા પણ એને મળવા આખરે રાજી થઈ હતી.

ભારતેન્દુ મને સતત કહી રહ્યો હતો : ‘ પ્રેમ કરવો પાપ નથી. આપણે ક્યાં કોઈ ખોટું કામ કર્યું છે ?’

‘તો પણ ? વી આર મેરીડ.’

‘મેરીડ હોય એણે પ્રેમ નહી કરવાનો ?’

‘આપણા એ લગ્નજીવનને કોઈ નુકસાન ન થવું જોઈએ.’

‘ આઈ પ્રોમિસ. નહી થાય.’

અને.. એ ભારતેન્દુ આજે ઘરે આવે છે. અવિનાશ દિલ્હી ગયા છે, ત્રણ દિવસ માટે. 

ભારતેન્દુ આવ્યો. ચા –નાસ્તો કરીને ગયો. 

‘ મારે જવું પડશે, મામાની તબિયત બહુ ખરાબ છે.’ માં ગઈ. અને  અવિનાશ ફરી દિલ્હી ગયાં.

ભારતેન્દુ બીજી વાર ઘરે આવ્યો.  મારી સેંથીમાં સિંદૂર પૂરી દીધું. 

મેં કહ્યું : ‘ મારો આ સ્ત્રી તરીકેનો  બીજો જન્મ છે ..હું દ્વિજા છું. કારણ કે માતાપિતાને ત્યાંથી સ્ત્રી પરાયા ઘરે આવે ત્યારે એનો સ્ત્રી તરીકેનો બીજો જન્મ હોય છે. એની આશા, અરમાનો બધું જ નવું હોય છે.. હું તો જાણે અહી આવીને  મારું વ્યક્તિવ વિસારી બેઠી હતી. તમે મળ્યા અને આજે હું સાચા અર્થમાં દ્વિજા બની ગઈ છું. હું ..હું તમને પ્રેમ કરું છું. મારો પણ અધિકાર છે પ્રેમ કરવાનો..’

અમારા રૂમનો દરવાજો બંધ થયો. અને મને લાગ્યું કે ભારતેન્દુ મારી સાથે ચાલી રહ્યો છે. અમે ચાલી રહ્યા છીએ. આસપાસ મધુમાલતી, મોગરા અને ગુલાબના  ઉદ્યાનો છે.. રંગબેરંગી ફૂલો અને ગીતો ગાતાં પંખીઓ.. કોઈ મધુર સંગીત વાગી રહ્યું છે. અમારા બન્નેના હાથ વધુ મજબુતીથી અમે પકડ્યા છે. 

 એક રીંગ વાગે છે, વાગતી જ રહે છે, જાણે કોઈ જોર જોરથી અમારા રૂમનો દરવાજો ખટખટાવી રહ્યું છે. …ભારતેન્દુ ફોન અટેન્ડ કરે છે.. મને હોઠ પર આંગળી રાખી ચુપ રહેવાનો ઈશારો કરે છે.. ‘ એનો ફોન છે.’

 ભારતેન્દુનો હાથ છોડી દઉં છું અને હું રૂમમાંથી બહાર નીકળી જાઉં છું.  ચાલવાનું શરુ કરું છું. મને લાગે છે કે શિખર સાવ નજીક છે પણ કાંટાળા થોરની વાડ છે … હું પાછી વળું છું. એકલા એકલા ખુબ ઝડપથી ચાલુ છું , જાણે સંસારમાં અવિનાશ અને આરત છૂટી જવાના ના હોય !