૫૭ વર્ષ બાદ કતારની ઓપેકમાંથી એક્ઝિટ

૫૭ વર્ષ બાદ કતારની ઓપેકમાંથી એક્ઝિટ
opec

૫૭ વર્ષ બાદ કતારની ઓપેકમાંથી એક્ઝિટ

વિશ્વના અગિયારમાં ક્રમાંકના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક દેશ કતારે આ સપ્તાહની ઓપેક અને અમુક નોન-ઓપેક દેશોની મહત્વની બેઠક પૂર્વે જ આ સંધિમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણ બાદ સાઉદી સહિતના દેશોએ ક્રૂડ ઉત્પાદન વધાર્યું તો છે પરંતુ, એકતરફી ઘટાડો દર્શાવી રહેલ કાચા તેલના ભાવને કારણે તેમના પોતાના દેશનું અર્થતંત્ર ભીંસમાં મુકાયું છે.

હવે જગતના જમાદારનું સાંભળવું કે દેશની અર્થવ્યવસ્થા સંભાળવી તેવી ભારે અગ્નિ જેવી સ્થિતિમાં ૬ ડિસેમ્બરની મહત્વપૂર્ણ બેઠક પહેલાં જ કતારની ઓપેકમાંથી એક્ઝિટ એક દિશાચિહ્ન સમાન બની શકે છે.

અખાડી દેશના ઊર્જા પ્રધાન સાદ અલ-કાબીએ સોમવારના રોજ જણાવ્યું હતું કે, કતારને જાન્યુઆરી ૨૦૧૯થી પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશો(ઓપેક)ના સંગઠનમાંથી પાછું ખેંચી રહ્યા છે. અલ-કાબીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ઓપેકમાંથી પાછા ખેંચવાના નિર્ણય પછી કતાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભૂમિકા વધારવા અને તેની લાંબા ગાળાની વ્યૂહરચનાની યોજના ઘડી રહી છે. કતાર આ સંધિમાંથી છુટા થયા બાદ કુદરતી ગેસના નિકાસ અંગે મોટાપાયે યોજના ઘડી શકે છે. હાલમાં વિશ્વમાં સૌથી વધુ એલએનજી ગેસ નિકાસકાર દેશમાં કતારનું નામ સૌથી ટોચ પર છે. ઓઈલ પ્રોડ્કશન પર નજર કરીએ તો કતાર પ્રતિ વર્ષ ૬.૧ લાખ બેરલનું ઉત્પાદન કરે છે, જે ઓપેક દેશોમાં ૧૧ મા ક્રમનું છે. ઓપેકમાંથી બહાર નીકળ્યા બાદ કુદરતી ગેસના એક્સપોર્ટ અને તેને જ મુખ્ય કારોબાર બનાવા અંગે ઉર્જાપ્રધાને નિવેદન આપ્યું છે. જોકે ઓપેકમાંથી એક્ઝિટ કેમ લેવાશે અને કોઈ દબાણ તો નથી થઈ રહ્યું ને તેવા સવાલોને ઉર્જાપ્રધાને દરકિનાર કર્યા હતા.