ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને ખુલ્લા પત્રમાં શુ કહ્યુ ?

ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને ખુલ્લા પત્રમાં શુ કહ્યુ ?
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને ખુલ્લા પત્રમાં શુ કહ્યુ ?

ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને ખુલ્લા પત્રમાં શુ કહ્યુ ?

31 જિલ્લા પંચાયત 230 તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લઘંન કરનાર સામે આપે શિસ્ત ભંગના પગલાં લઈને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ જિલ્લા પંચાયતના 35 સભ્યો અને તાલુકા પંચાયતના 142 સભ્યોને 6 વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં જરૂરી કાનૂની કાર્યવાહી કરીને તેમના સભ્યપદ રદ્દ થાય તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જાણી વાત દુઃખદ હોવા છતા આનંદ થયો…

મારો આ ખુલ્લો પત્ર પક્ષના સંગઠનાત્મક માળખા ને સુદ્રઢ અને સંતુલિત કરવાના આપના પ્રયાસ થી ઉત્સાહિત તમામ કાર્યકરોની લાગણી અને અભિવાદન આપના સુધી પહોંચાડવાનો નમ્ર અને પ્રમાણિક પ્રયાસ છે.

રાજકીય નફા-નુક્શાનની પરવા કર્યા સિવાય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે આપે જે ઝુંબેશ ઉપાડી છે તેણે પક્ષ માટે ખપી જવાનું ખમીર ધરાવતા તમામ કાર્યકરોમાં નવીન ઉર્જા નો સંચાર થયો છે.

સ્વ. ઇંદીરાજીના અકાળે અવસાન બાદ તમામ રાજકીય પંડીતો એ હવે કોંગ્રેસ સમાપ્ત થઈ જશે એવું ભવિષ્ય ભાંખ્યુ હતું.પણ સંસ્કૃત ની એક ઉક્તિ છે ” બહુ રત્ના વસુંધરા ” કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોએ આ ઉક્તિને સાર્થક કરી બતાવી. 1984 પછી આજે ચોંત્રીસ વર્ષ બાદ પણ પક્ષના પ્રખર વિરોધીઓ ” કોંગ્રેસ મુક્ત ભારત ” ના હવાતીયા મારતા નજરે પડે છે તે એ વાતની સાબિતી છે કે શખ્સ નહીં પક્ષ મહાન છે.

આખી દુનિયા પર રાજ કરવાનો મનસૂબો ધરાવનાર સિકંદરની કબર પર કોઈ માથું નમાવનાર પણ શોધ્યુ જડતુ નથી તો તમારી શું વિસાત? આ સંદેશ
“હું છું તો જ પક્ષ છે” એવી આત્મશ્લાઘામાં રાચનારાઓનો ભ્રમ ભાંગી નાખવા આપવો જરૂરી હતો. પોતાના આત્મસન્માનનું બહાનું આગળ ધરી કમલમ્ ના પગથીયે નાકલીટી તાણનારા આ પક્ષપલ્ટુઓ એ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટીકીટ માટે પક્ષના મુખ્યાલય રાજીવ ગાંધી ભવનમાં ખોળા પાથરતાને નાક ઘસતા મેં જોયા છે…એ ભુતકાળ ની યાદ અપાવવી જરૂરી છે. સત્તા જ જેમનો પ્રાણવાયુ હોય તેવા લોકોના મોંઢા પરથી કોંગ્રેસનો માસ્ક ખેંચી લઇ રાજકીય વેન્ટિલેટર પર મુકી દીધા બાદ તેમની ડચકાં ખાતી કારકિર્દીના અસંખ્ય ઉદાહરણ છે. કોંગ્રેસની પ્રથમ પંક્તિના નેતાઓ એ પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે ભાજપનો હાથ ઝાલ્યા બાદની તસ્વીર જુઓ તો ખ્યાલ આવી જાય કે ટીવી ના પડદે ફ્રેમમાં કપાઈના જાય એ માટે એડીથી ઉંચા થઈ ડોકીયા કરવા પડે તેવા હાલ થયા છે.

કોંગ્રેસમાં બીજી રાજકીય પાર્ટીઓ કરતાં આંતરિક લોકશાહી વધુ છે. પરંતુ ” સંવાદ અને વિખવાદ ” મા અંતર હોય. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે પાતળી ભેદરેખા છે જેને ઓળંગવાની ભુલ કરનાર ને માફ કરી શકાય પણ તે ભેદરેખા ભુંસવા મથનાર ને નશ્યત જ કરવા પડે.

કોંગ્રેસ પક્ષે જેમને પદ – પ્રતિષ્ઠા અને મોભો બધું જ આપ્યું હોય તેવા નેતાઓ સંગઠનની લીટી ભુંસી પોતાની લાંબી કરતા હોય, વિરોધીઓ સાથે સત્તાની પરોક્ષ ભાગબટાઈ કરતા હોય, જાહેરમાં પક્ષની શિસ્તના લીરા ઉડાડતાં હોય છતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ના થાય ત્યારે પક્ષ માટે નિસ્વાર્થ સંઘર્ષ કરતાં કાર્યકર નુ મનોબળ તુટે છે.
किसको फिक्र है कि “कबीले”का क्या होगा..!
सब इसी बात पर लड़ते हैं कि “सरदार” कौन होगा..!! આ વાતને પણ ગંભીરતાથી લઇને ઉઠાવેલું કદમ ભવિષ્યની પેઢી માટે યથાર્થ લેખાશે..આ સ્થિતિને નિવારવાની દીશામાં આપે લીધેલા સખત વલણનુ રાજકીય પરિણામ જે આવે તે પણ પક્ષને બાપીકી જાગીર માનનારાઓ પર નિયંત્રણ આવશ્યક છે.

કોંગ્રેસ એક પક્ષ નહીં એક વિચાર છે. વ્યક્તિઓ નામશેષ થઈ શકે વિચાર નહીં. મહાત્મા ગાંધી એ પ્રગટાવેલી આ વૈચારિક મશાલે આજે રાહુલ ગાંધી સુધીની સફર ખેડી છે. આપણે સૌ કાર્યકરો એ આ જ્યોતમાં તેલ બનીને આહુતિ આપવાની છે. મશાલચી કોણ છે તે પ્રશ્ન ગૌણ છે મશાલનો પ્રકાશ ભારતીય લોકતંત્ર પર મંડરાતા તાનાશાહીના ઓળાઓ ને ભેદી સંવૈધાનિક ભારત ને દૈદીપ્યમાન રાખે તે મહત્ત્વનું છે.

સત્તા એ સેવાનું માધ્યમ છે. સેવા અને સમાનતા એ કોંગ્રેસનું વિચારબિંદુ છે. આ અવધારણા ને વળગીને ચાલનારા તમામ સાથી કાર્યકરો વતી ફરી એકવાર આપને અભિનંદન પાઠવુ છું.
જય હિંદ.
જય કોંગ્રેસ.

આપનો જ,
જયરાજસિંહ પરમાર
(કાર્યકર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)