હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશ પોતાના વિસ્તારમાં જનતા રેડ કેમ કરતા નથી ?

હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશ પોતાના વિસ્તારમાં જનતા રેડ કેમ કરતા નથી ?
હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશ

હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશ પોતાના વિસ્તારમાં જનતા રેડ કેમ કરતા નથી ?

અમદાવાદ

દારૂબંધીનો મુદ્દો ગુજરાતમાં બહુ નાજુક અને વિચિત્ર છે, દારૂબંધીની વાત આવે એટલે કાયમ આપણે ત્યાં ખો આપવામાં આવે છે, સોલા વિસ્તારમાં કથીત લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ સહિત ગુજરાત પોલીસ દોડતી થઈ ગઈ, પણ દારૂ પીનારા જાણે છે કે ગુજરાતની દારૂબંધીની બાબત એક ઉભરા જેવી હોય છે, થોડાક કલાક સુધી તમે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવી શકો પણ ગુજરાતમાં કયારેય દારૂ મળશે જ નહીં તેવી સ્થિતિ કયારે નિર્માણ થશે નહીં તે વાસ્તવીકતા પસંદ ના પડે તો પણ સ્વીકાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તેનો અર્થ એવો પણ નથી દારૂબંધીના મુદ્દે તમામે હથિયાર હેઠા મુકી દેવા જોઈએ.

પણ ગુજરાતમાં દારૂબંધીના મામલે અસરકારક કઈ પણ થવાને બદલે નાટકબાજી બહુ થાય છે. જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય થયા બાદ શહેરના પુર્વ વિસ્તારમાં અને વાડજ વિસ્તારમાં દારૂ વેચાય છે તેવો હંગામો કર્યો અને ટોળા સાથે રસ્તા ઉપર ઉતરી દારૂના અડ્ડા બંધ કરાવવાની માગણી કરી, જીજ્ઞેશનો પ્રયાસ સારો હતો, તેની ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી, તેવીજ રીતે ગુજરાતના સક્રિય રાજકારણમાં આવતા પહેલા અલ્પેશ ઠાકોરે પોતાની જ્ઞાતીમાં દારૂની બદીને નાથવા માટે ભરપુર પ્રયાસ કોઈ પણ પ્રસિધ્ધ વગર કર્યા હતા, સાથે ઠાકોરોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે દિશામાં પણ સામાજીક સુધારણાના કાર્યક્રમો કર્યા હતા. જયારે હાર્દિક પટેલનો વિષય જ આખો અલગ છે.

હાર્દિકે જે વિષય હાથમાં લીધો છે, તેમાં શિક્ષીત પાટીદારોને અનામતને કારણે અન્યાય થતો હતો તે તેને પહેલો મુદ્દો છે, ત્યાર બાદ તમામ જ્ઞાતિના શિક્ષીતો અને ખેડુતોનો મુદ્દો ઉપાડયો હતો, હાર્દિકની માગણી સાથે કોઈ સંમત્ત ના હોય તો પણ તે મુદ્દો વિચારણા કરવી પડે તેવો તો છે , સોલાની કથીત લઠ્ઠાકાંડની ઘટના બાદ હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશ ગાંધીનગર પહોંચી ગયા હતા, તેમની પાસે માહિતી હતી કે ગાંધીનગરમાં જ દારૂ વેચાય છે, અને તેમણે જનતા રેડ કરી અે બે થેલી દારૂ પકડયો હતો, માત્ર બે થેલી દારૂ પકડયો તેનો અર્થ એવો નથી કે ગાંધીનગરમાં દારૂ મળતો જ નથી, આ ત્રણે નેતાઓની જનતા રેડમાં માત્ર બે થલી જ દારૂ કેમ મળ્યો તે એક જુદો તપાસનો વિષય છે.

પણ અહિયા આ સવાલ એવો છે કે જનતા રેડ માટે હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશે ગાંધીનગરની પસંદગી કેમ કરી હતી, જીજ્ઞેશનો મત વિસ્તાર વડગામ છે, અલ્પેશનો મત વિસ્તાર રાધનપુર છે અને હાર્દિકનું વતન વિરમગામ છે, આ ત્રણે યુવા નેતાઓને પણ જાણે કે તેમના વિસ્તારમાં પણ દારૂ તો વેચાય છે, તો પછી ત્યાં જનતા રેડ કરવા કેમ જતા નથી, તેમને ખબર છે કે તેમના પોતાના વિસ્તારમાં જો તેઓ જનતા રેડ કરશે તો તેમના પોતાના નારાજ થશે, પોતાના વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂ પીનારા સાથે સીધો નહી તો આડકતરો સંપર્ક નિકળશે, ત્યા કદાચ જનતા રેડમાં બે આંખની શરમ પણ ભરવી પડે, જેના કારણે તેમણે ગાંધીનગરની પસંદગી કરી હતી.

ગાંધીનગરની પસંદરી કરી તેની સામે પણ વાંધો ન્હોતો, પણ તેમનું ઈન્ફરમેશન નેટવર્ક બહુ નબળુ સાબીત થયુ બે ધારાસભ્ય અને એક પાટીદાર નેતા જનતા રેડ કરે અે માત્ર બે થેલી જ દેશી દારૂ મળે તો ત્રણેના ઈરાદા દારૂબંધ કરાવવા કરતા રાજય સરકારને શરમજનક સ્થિતિમાં મુકી દેવાનો વધારે લાગે છે, ગુજરાતના કોઈ પણ શહેર અને ગામમાં દારૂ નહી વેચાવા દઈએ તેવો નિર્ણય સાથે આ નેતાઓ મેદાનમાં ઉતરે તો સારી વાત છે, પણ દારૂના મુદ્દે તેમણે કરેલી જનતા રેડમાં બદલો લેવાની છુપી ભાવના બહાર આવી જાય છે. સારૂ કામ કરો તેની સાથે કોઈને વાંધો હોય નહીં, પણ કોઈને નીચુ દેખાડવાના ઈરાદે સારૂ કામ કરવુ જોઈએ નહીં. ગાંધીનગરમાં માત્ર બે થેલી જ દારૂ મળ્યો તેના કારણે ગાંધીનગરના એસપીને આ નેતાઓ નાટક અને પ્રસિધ્ધી માટે કરે છે તેવુ કહેવાની તક તેમણે પુરી પાડી હતી..

દારૂની સૌથી માઠી અસર રાજયના ગ્રામીણ અને મજુર વિસ્તારમાં થઈ રહી છે, તે સત્ય પણ નકારી શકાય તેમ નથી, પણ દારૂબંધીનો અમલ માટે રાજય સરકાર અને વિરોધ પક્ષ સામુહિક પ્રયાસ કરે તો કઈક અંશે પરિણામ મળવાની સંભાવના છે, નહીંતર થોડા વર્ષ પછી કોંગ્રેસ સત્તા ઉપર હશે અને ભાજપના નેતાઓ પણ હાર્દિક , જીજ્ઞેશ અને અલ્પેશની જેમ જનતા રેડ કરતા રહેશે, પણ પરિણામ મળશે નહીં.