ભારત અને ઇરાન વચ્ચે એક ક્રૂડ ઓઇલની ચૂકવણી માટે મહત્વપૂર્ણ સોદો

ભારત અને ઇરાન વચ્ચે એક ક્રૂડ ઓઇલની ચૂકવણી માટે મહત્વપૂર્ણ સોદો
India and Iran

ભારત અને ઇરાન વચ્ચે એક ક્રૂડ ઓઇલની ચૂકવણી માટે મહત્વપૂર્ણ સોદો

તેલ આયાતને લઇને ભારત અને ઇરાન વચ્ચે એક મહત્વપૂર્ણ સોદો થયો છે. ભારતે ઇરાન પાસેથી આયાત કરવામાં આવનાર ક્રૂડ ઓઇલની ચૂકવણી હવે રૂપિયામાં કરવાને લઇને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ઇરાન પર અમેરિકાના નવા પ્રતિબંધો ૫ નવેમ્બરથી લાગુ થયા બાદ ભારતે ઇસ્લામિક રાષ્ટ્ર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારત અને ૭ અન્ય દેશોને પ્રતિબંધ છતાંય ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રિફાઇનરો યુકો બેન્કમાં નેશનલ ઇરાનિયન ઓઇલ કંપની (એનઆઇઓસી)ના ખાતામાં રૂપિયામાં ચૂકવણી કરશે. તેમનું એવું પણ કહેવું છે કે તેની અડધી રકમ ઇરાન ભારતીય સામાનની ખરીદી પર ખર્ચશે. અમેરિકી પ્રતિબંધો અંતર્ગત ભારત ઇરાનને અનાજ, દવાઓ અને મેડિકલ ઉપકરણોની નિકાસ કરી શકે છે. અત્યાર સુધી ભારત પોતાના ત્રીજા સૌથી મોટા ઓઇલ સપ્લાયર દેશને યુરોપિયન બેન્કિંગ ચેનલો દ્વારા યુરોપમાં ચૂકવણી કરતું રહ્યું છે. હવે આ ચેનલ નવેમ્બરથી બ્લોક કરી દેવામાં આવી છે.

ઇરાન પાસેથી ઓઇલની આયાત ઘટાડવા અને પેમેન્ટ રોક્યા બાદ ભારતને છૂટ મળી છે. ૧૮૦ દિવસની મળેલી છૂટ દરમિયાન ભારત રોજ મહત્તમ ૩ લાખ બેરલ્સ ક્રૂડ ઓઇલની આયાત કરી શકે છે. જોકે આ વર્ષે ભારતે સરેરાશ ૫.૬ લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલની આયાત કરી છે. ઉલ્લેખનીય છે કે ચીન બાદ ઇરાની તેલનો ભારત બીજો સૌથી મોટો ખરીદદાર છે.