મહાન વૈજ્ઞાનિક Stephen Hawkingનું 76 વર્ષની વયે નિધન

મહાન વૈજ્ઞાનિક Stephen Hawkingનું 76 વર્ષની વયે નિધન
Stephen Hawking

મહાન વૈજ્ઞાનિક Stephen Hawkingનું 76 વર્ષની વયે નિધન

ભૌતિકશાસ્ત્રના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક Stephen Hawkingનું 76 વર્ષની વયે આજે વહેલી સવારે નિધન થઈ ગયું છે. તેમના નિધનની માહિતી તેમના પરિવાર તરફથી બુધવારના રોજ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આપવામાં આવી છે. Stephen Hawking છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમનું નિધન લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું.

હૉકિંગના બાળકો લૂસી, રૉબર્ટ અને ટિમે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, પિતાના મૃત્યુથી અમે લોકો અત્યંત દુ:ખી છીએ.

બ્રિટનના ઓક્સફોર્ડમાં જન્મેલા સદીના આ મહાન વૈજ્ઞાનિકની ગણતરી દુનિયામાં મહાન વૈજ્ઞાનિકોમાં અને આઈનસ્ટાઈન પછી સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે કરવામાં આવતી હતી. સ્ટીફન હૉકિંગે બ્લેક હૉલ અને બિગ બેન્ગ સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

સ્ટીફન બેસ્ટસેલર બુક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ના લેખક પણ હતા. તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં સૈદ્ધાંતિક બ્રહ્માંડ વિજ્ઞાન કેન્દ્ર (સેન્ટર ઓફ થિયોરેટિકલ કોસ્મોલોજી)ના શોધ નિર્દેશક પણ રહેલા છે. હૉકિંગ્સ વ્હિલ ચેર પર રહેતા હતા. તેમને 21 વર્ષની ઉંમરે ડોક્ટરે જણાવી દીધું હતું કે તેમને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારી છે.

સ્ટીફને એક વાર જણાવ્યુ હતું કે, વૈજ્ઞાનિક બનવામાં તેમની બીમારીનું મોટું યોગદાન છે. બીમારી પહેલા તે અભ્યાસ પર વધારે ધ્યાન નહોતા આપતા પરંતુ બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તે લાંબો સમય સુધી જીવી નહીં શકે, માટે તેમણે સંપૂર્ણ ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું. મૃત્યુ વિષે તેમણે જણાવ્યુ હતું કે, હું મોતથી ડરતો નથી, મને મરવાની કોઈ ઉતાવળ પણ નથી. પરંતુ તે પહેલા મારે બીજા ઘણાં કામ કરવાના છે.

ત્યારબાદ તેમણે પોતાના કામ પ્રત્યે ધ્યાન આપ્યું. સ્ટીફન હૉકિંગ પાસે 12 ડિગ્રીઓ હતી. હૉકિંગના કામને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકાના સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવ્યુ હતું. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ ચર્ચાનો વિષય બન્યુ હતું.

1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરનારા સ્ટીફન હૉકિંગ સાયન્સની દુનિયામાં સેલિબ્રિટી માનવામાં આવે છે. સ્ટીફન હૉકિંગના દિમાગ સિવાય તેમના શરીરનું એક પણ અંગ કામ નહોતુ કરતુ. સ્ટીફન હૉકિંગે ધ ગ્રાન્ડ ડિઝાઈન, યૂનિવર્સ ઈન નટશેલ, માઈ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથીંગ જેવા અનેક મહત્વના પુસ્તકો લખ્યા છે.

વર્ષ 2014માં તેમના જીવન પર એક ફિલ્મ પણ બની હતી. ધ થિયરી ઓફ એવરીથીંગ, જેમાં તેમનું પાત્ર એડી રેડ્માયને ભજવ્યું હતું.

સદીના મહાન વૈજ્ઞાનિકને અલવિદા!