Manas

Manas

Manas

દસ વાગ્યા છે સવારના. બિહાગ નજીકના શહેરમાંથી આવ્યો છે હમણાં જ. પ્લાસ્ટિક બેગમાં એક સાડી છે. એ દસ ને પાંચે મહોલ્લાને નાકે આવેલાં ઘરે પહોંચે છે. છાણ લીંપેલા આંગણામાં આંબલીના થડને બાંધેલા બળદ લીલું ઘાસ  ખાઈ રહ્યા છે. ઓટલા પર બાંકડો છે , તેના પર  પ્રાંશુ બેઠી છે. સુપડામાં ચોખા વીણી રહી છે. બિહાગ ઓટલો ચઢ્યો એટલે ઝટપટ સૂપડું બાંકડા પર મૂકી પ્રાંશુ ઘરમાં જતી રહી. 

બિહાગ એના આવા વર્તનથી હતપ્રભ થઈને ઊભો રહી ગયો. થોડીવાર પછી એ ઘરમાં ગયો. એણે પ્રાંશુનો હાથ પકડ્યો. પ્રાંશુએ હાથ છોડાવ્યો. 

‘કેમ ?’

‘તું મને પ્રેમ નથી કરતી.’

‘મા ના પાડે છે.’

‘અરે પણ આપણે એક થઈ ગયાં હવે શું ?’

‘તું મા હાટમાંથી આવે એના પહેલાં જતો રહે. નહી તો તને જીવતો નહી રાખે.’

‘હું મરી જવા તૈયાર છું.’

‘હું આવવાની નથી તારી સાથે હવે. આ જ મારો જવાબ છે.’

‘ આ તારો છેલ્લો જવાબ છે.’

‘હા.’ કહેતી પ્રાંશુના હોઠ ભીડાઈ ગયાં.

બિહાગ બેગ બાંકડા પર મુકીને ઓટલો ઉતરી રહ્યો હતો ત્યારે એની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં. જુગારમાં સર્વસ્વ હારી ચુકેલા યુધિષ્ઠિર જેવો બિહાગ સાવ નિરુપાય થઈ ગયો હતો. દ્રોપદીને દાવ પર લગાડતા યુધિષ્ઠિરની જેમ એની  જિંદગી દાવ પર લાગી ગઈ હતી.

એ લાંબી ફલાંગ ભરતો ઘરે આવી પહોંચ્યો. ત્રણ જ મિનીટ થઈ. એ રઘવાયો થઈ ગયો. માં અને બાપુ મહુવા હાટમાં ગયાં હતાં. 

એ દિવસ એને યાદ આવ્યો. એ રાતે ખળીમાં ભાત ઝૂડ્યા પછી બધા પોતપોતાના ઘરે જતાં રહ્યા.બારમા ધોરણમાં ભણતી અને એને જોઇને હમેશા હસતી પ્રાંશુને  એણે સ્યાહી લીધી હતી. એ ઉડતી પળોમાં બિહાગ પણ ભૂલી ગયો કે એની સગાઈ થઈ ગઈ હતી અમૃતા સાથે.

 એ જયારે અમૃતાને મળવા ગયો ત્યારે પ્રાંશુએ અબોલા લીધાં હતાં એની સાથે.  પ્રાંશુએ અબોલા તોડ્યાને કહ્યું : ‘ બિહાગ હું..’ બિહાગના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. એને બીજું કઈ સુઝ્યું નહોતું. એને બધાથી ઉપરવટ એક જ ખયાલ આવ્યો કે પોતાની જવાબદારી એણે નિભાવવી જોઈએ. 

અને બીજે દિવસે ગામમાં ખબર વહેતી થઈ હતી કે પ્રાંશુ અને બિહાગ ગામમાં નથી. અઠવાડિયા પછી બિહાગને પ્રાંશુના મેડીકલ ચેકઅપમાં ખબર પડી  કે પ્રાંશુ માં બનવાની જ નહોતી. બંને ગામમાં ઘરે આવ્યા ત્યારે પ્રાંશુને એની માં ઘરે તેડી ગઈ હતી. અઠવાડિયું કેમ વીતી ગયું તે ખબર પણ નહોતી પડી. સુરમ્યા દી ને વાત કરવાનો પણ સમય નહોતો રહ્યો. દી નારાજ થઈ જશે એમ બિહાગને લાગતું હતું.

મોડી રાતે એ ઘરે આવ્યો એટલે માતાપિતાએ એને કહ્યું હતું : ‘ કરી દીધો ઈજ્જતનો ધજાગરો ?’ આવ્યા એવા તરત જ પ્રાંશુને એની મા જબરદસ્તી તેડી ગઈ હતી. એનું કઈ ચાલ્યું નહોતું.  બિહાગની દુનિયા લુટાઈ ગઈ હતી. સગાઈ તૂટી ગઈ અને ઈજ્જત આબરૂના ધજાગરા થયા હતાં. પ્રાંશુ બદલાઈ ગઈ હતી. એને મળતી નહોતી. અને હમણાં સાથે આવી નહી.

એ ઘરે પહોંચ્યો. ખાટલા પર બેઠો. ફોન ખિસ્સામાંથી કાઢી પથારીમાં મુક્યો. એને જોઇને ભેંશ રેંકવા માંડી. આખરે એણે ઉઠવું પડ્યું અને ઘાસનો ભારો છોડ્યો અને એને  નીર્યો. ગમાણમાં શાકભાજીમાં દવા છાંટવાનો પમ્પ હતો. 

અચાનક બિહાગને એક વિચાર આવ્યો. એણે  ભેંશે દીવાલ પરથી ઉથલાવી નાંખેલા પમ્પને સીધો કર્યો અને દીવાલ પર ટીંગાડી દીધો. એમાં ભરવાની દવાની બોટલ છે ક્યાં ? એણે ગમાણની ચારેતરફ નજર ફેરવી . ફોનની રીંગ વાગી.

છેક ખૂણે એક ભરેલી બોટલ દેખાઈ અને એના હોઠ પર સ્મિત આવી ગયું. બોટલ એણે હાથમાં લીધી અને એ  ગમાણમાંથી બહાર આવ્યો અને ફોન લીધો. 

‘અરે દી તું ?’ 

‘હમમ. સાંભળ , બિહાગ મારી કવિતા. જો મેં નવી લખી છે..’

બિહાગની માસીયાઈ બહેન હતી સુરમ્યા. કુટુંબ અને ગામમાં સેંકડો જણ હોય છતાં પોતીકા માનીને દિલની વાત કહી શકાય એવું એકાદ જ હોય. બિહાગને મન સુરમ્યા  એવીજ પોતીકી હતી. વડોદરા ગુજરાતીમાં એમ.એ. કરતી હતી. લખવાનો એને શોખ હતો. બિહાગ એને દી કહેતો. બિહાગ નજીકના ગામડાની કોલેજમાં બીજા વર્ષમાં ભણતો હતો. એ કાવ્યો બિહાગને મોકલતી અને મોટેથી વંચાવડાવતી.

બિહાગે વાંચ્યું.

‘કુદરતનું તું મહામૂલું જણશ છે, યાદ રાખ તું માણસ છે, 

પૃથ્વીલોકનો અદ્વિતીય કળશ છે, યાદ રાખ તું માણસ છે..

દી’ તમે સરસ લખો છો ..

આગળ વાંચ. શું લખ્યું છે ?

‘વાચું છું.’ 

‘મોટેથી વાંચ.’

બિહાગે હાથમાંથી બોટલ નીચે પગ પાસે મૂકી દીધી. 

‘સમય ખરાબ છે તારો, એક બાજી હારી ગયો તું  ; જિંદગી નથી હાર્યો   ; 

કર પ્રયાસ, તારા હાથોમાં સફળતાનો જશ છે, યાદ રાખ તું માણસ છે.’

બિહાગે વાંચ્યું. એ બોલ્યો : ‘પણ દી જેના પર ભરોસો તમે કરો એ જ માણસ દગો કરે તો ?’

‘બીજાનો ભરોસો તુટવા દે, ભાઈ, ખુદનો ભરોસો  ના તોડ; 

ડરીને મરવું  એ અપજશ છે, યાદ રાખ તું માણસ છે.’

બિહાગે પગ પાસે મૂકેલી બોટલને પગથી હડસેલો માર્યો.

‘દી ક્યારેક તો જીવવા જેવું નથી  લાગતું , એવું લાગે છે કે આપણું કોઈ નથી દુનિયામાં ’

‘આજે તારું છે એ , કાલે હતું બીજાનું , આવતીકાલે હશે બીજાનું ;

સંગાથ માત્ર તારો શ્વાસ-ઉચ્છવાસ છે, યાદ રાખ તું માણસ છે..

 ‘દી , ભૂલ થઈ ગઈ છે તો આ દુનિયા , સમાજ અને બીજા બધાં શું કહેશે ?’

‘આ સમય પણ વીતી જશે, દુનિયા આજે કહેશે કાલે ભૂલી જશે ;

જો તને ખુદ પર આશા અને વિશ્વાસ  છે, યાદ રાખ તું માણસ છે.’

   બિહાગ , આ કાવ્ય પૂરું જ નહોતું થતું એટલે જ મેં તને ફોન કર્યો. તારી સાથેની વાતચીતમાં મને સરસ પંક્તિઓ મળી ગઈ. શું કરતો હતો તું ?

બિહાગ બોલ્યો : ‘કઈ નઈ..બસ એમ જ ..’ કહેતા નીચે ઝૂકીને એણે પલંગ તળેથી બોટલ હાથમાં લીધી.

‘જો આ બીજી પંક્તિઓ ખાસ તારા માટે.’ સુરમ્યાનો ઉત્સાહભર્યો અવાજ ફોનમાં વહી આવ્યો. 

‘કાલે જીતે તો આજે હારેય તું : આજે હારે તો કાલે જીતશે તું,

 જિંદગીની રમતનો આ પાશ છે; યાદ રાખ તું માણસ છે.

‘બિહાગ , આ કાવ્ય તું મોટેથી વાંચ. હું રેકોર્ડ કરું તારો અવાજ..’

બિહાગે અક્ષરસઃ વાંચ્યું એ કાવ્ય.

 અને… શાકભાજીમાં છાંટવાની ઝેરી બોટલનો આંગણામાં છૂટો ઘા કર્યો.