Seven Trees

Seven Trees

Seven Trees

‘ઓલ ઇન વન’નો એ-વન ખંડ. ઐન્દ્રએ પાંપણો ઉઠાવી. ક્રમશ: અડખે પડખેની દીવાલ પર આંખ ઠેરવી, સુવિચાર વાંચ્યા.

‘સ્વર્ગમાં ઘણું બધું છે, ત્યાં તમારી મા પણ છે.’

‘મૃત્યુ એ જીવનનો સીમાસ્તંભ છે, આત્મયાત્રાનો નહી.’

સામે દીવાલ પર દરવાજાનો લંબચોરસ ભાગ બાદ કરતાં વધેલા ભાગમાં એણે આંગળીથી લખ્યું. બોન્સાઈ trtreetretreetreeટ્રીનો  સ્પર્શ = માની યાદ. ‘યાદ’ શબ્દને હથેળીથી લૂછી નાંખ્યો. તે જગ્યાએ ‘સ્મૃતિ’ શબ્દ લખ્યો. આટલી મનસિક ક્રિયાથી એ થાકી ગયો તેમ થોડીવાર મૂડદાલ મગરની જેમ મ્હોં વકાસી આંખો બંધ કરી પડી રહ્યો.

પથારીમાં પડ્યા પડ્યા એની રોજિંદી રમત શરુ કરવા એ શવાસનની સ્થિતિમાં સ્થિર થયો. એના યુવાન પુત્ર અનુપે ઐન્દ્રને સંપૂર્ણ સુવિધાયુક્ત વૃદ્ધાશ્રમ ‘ઓલ ઈન વન’માં પ્રવેશ કરાવ્યો હતો. કાંચળી ઉતારેલા સર્પ જેવી પરવશ, પથારીવશ સ્થિતિમાં ઐન્દ્રએ એક રમત શોધી કાઢી હતી. ઘનાકાર, ચતુષ્કોણ, સફેદ, શીતળ…. સ્મૃતિચોસલાંઓને સ્મૃતિમંજૂષામાંથી બહાર કાઢી ઉપરતળે ફેરવવાની રમત. આડા-ઊભા કરી દરેક ચોસલાને એણે ચકાસ્યા.

એક શ્લેષ્મ સ્નિગ્ધ ચોસલું એની હથેળીમાં બાઝી પડ્યું. ઐન્દ્રએ એને પારખી કાઢ્યું . એ ‘સેવન ટ્રીઝ’નું ચોસલું હતું. ‘સેવન ટ્રીઝ’ના ચોસલાને હાથમાં લઈ એણે અતીતના એક ખંડમાં પાછલા પગે પ્રવેશ કર્યો. ત્રણ વર્ષ પહેલાનો એક ઠંડો ગુલાબી દિવસ.

ઐન્દ્ર, એનો પ્રવેશ ઈચ્છુક પુત્ર અનુપ, ‘સેવન ટ્રીઝ’માં પ્રવેશ મેળવવા પ્રમુખ ભૂમિકા ભજવનાર સેક્રેટરી સોરાબજી  : ત્રણે પૃરુષોએ યથામતિ  યથાશકિત ‘સેવન ટ્રીઝ’ શબ્દ મમળાવ્યો, થૂંકથી બંધ મોંમાં  રમાડ્યો. સોરાબજીએ કેન્દ્રીય સચિવને કરેલો ફોન, ચૂંટણી , ફંડ , ‘સંબંધ’ સાકરની ધરેલી મીઠાશ , ધીરે ધીરે પીગળેલા સચિવે અથાગ પ્રયત્નને અંતે ઉચ્ચારેલા શબ્દોને  પુન: યાદ કર્યા. ‘‘સેવન ટ્રીઝ’ના ડાયરેક્ટર મિસ વેરોના સાથે સાંજે છ વાગ્યે મુલાકાત ગોઠવાઈ છે.’

‘સેવન ટ્રીઝ’ વિશ્વપ્રસિદ્ધ  ત્રિવર્ષીય , બહુલક્ષી, બહુપરિમાણીય અભ્યાસ કરાવતી અતિઆધુનિક વિશાળ સંસ્થા. ‘સેવન ટ્રીઝ’માં પ્રવેશ મેળવવો નવતર ધનિકોમાં ‘સ્ટેટ્સ સિમ્બોલ’  ગણાતો હતો.

આસ્ફાલ્ટની સડક પર બ્લેક કોબ્રાની જેમ સરકતી મર્સિડીસ બેન્ઝ  ‘‘સેવન ટ્રીઝ’નાં પ્રમુખ દ્વાર પાસે થોભી ગઈ.

‘આઈકાર્ડ પ્લીઝ..’ સંરક્ષક જવાને તપાસ કાર્યવાહીનો આરંભ કર્યો.

એક વાન એમની પાસે આવી ઊભી રહી. ત્રણે પુરુષો એ વાનમાં બેઠાં . એક આંચકા  સાથે વાન ઉપડી. ‘વિન્ડો’માંથી દેખાતા દૃશ્ય જોવા બધાનાં ચહેરા એક તરફ ફરી ગયાં.

સાત ઈમારતો. ‘રેઈન્બો’ ડાયરેક્ટર ઓફિસની સામે સ્થિત હતી. હળવે હળવે ઘૂમતી સરકતી ઇમારતો આધુનિક ટેકનિક અને ટેક્નોલોજીનો સુભગ સુમેળ દર્શાવતી હતી. દર ત્રીશ મીનીટે એક પછી એક ઈમારત ક્રમાનુસાર એક એક કલાક માટે સ્થિર થઈ જતી હતી. પ્રત્યેક ઈમારત પર ઓળખ દર્શાવતાં નામ ચળકતાં હતાં . નોલેજ ટ્રી, મેનેજમેન્ટ ટ્રી, અચીવમેંટ ટ્રી, કમ્પ્યુટર ટ્રી, પર્સનાલીટી ટ્રી, લવ ટ્રી અને સેક્સ ટ્રી.

વિરાટ સ્વરૂપ ભગવાન વિષ્ણુનાં શ્રીમુખમાં પ્રવેશતાં જીવોની જેમ ‘રેઈન્બો’નાં પ્રવેશદ્વારમાં પ્રવેશાર્થીઓ વેગપૂર્વક ધસી રહ્યા હતાં.

‘પ્લીઝ સીટ હીયર. ધીઝ આર  અવર રૂલ્સ. પ્લીઝ રીડ કેરફુલી એન્ડ સાઈન ઈટ.’ નાજૂક આંગળીઓએ ધરેલો નિયમપત્ર ઐન્દ્રએ સુગંધી ફૂલની જેમ હાથમાં ઝીલી લીધો. ત્રણેય પૃરુષોની નજર નિયમાવલી પર ફરવા માંડી.

‘તમે પ્રથમ વર્ગમાં ૧૨ પાસ થયા હો. કરોડ રૂપિયા ડીપોઝીટ પેટે આપી શકતા હો. તમારી પાસે પોતીકી કાર  વીસ લાખથી વધુ કિંમત ધરાવતી હોય.. તમે ત્રણ વર્ષ અભ્યાસ પૂર્ણ કરવાની બાંહેધરી આપતા હો.. તમને એચ.આઈ.વી. પોઝીટીવ ન હોય.. તમે ‘સેક્સ ટ્રી’માં સ્ટાફ, ટીચર્સ સાથે કોઈ  ‘રીલેશન’ વિકસિત ન કરો..કાર્યસોંપણી પૂર્ણ કરવાની ક્ષમતા હોય ..’ તો સહી કરો. ઐન્દ્રએ સહી કરી વાલીપદ સાબિત કર્યું.

‘મોસ્ટ વેલકમ સર..’ નાદ સાથે ‘રેઈન્બો’ની પ્રમુખ ઓફીસના દ્વાર ખુલી ગયા. ત્રિકોણ ટેબલના ત્રીજા ખૂણે મિસ વેરોના બેઠી હતી. સમાંતર બેઠક પર ત્રણે પુરુષો ગોઠવાયાં. મસ્કરા અને આઈ-લાઈનરથી  મોહક–પ્રભાવક  લગતી આંખો ત્રણ પુરુષો પર વારાફરતી સ્થિર થઈ. ત્રણે હવા નીકળતા ફુગ્ગાની જેમ સંકોચાયા.

‘એડમિશન થઈ ગયું છે. અભિનંદન.’

‘ત્રણે પુરુષો જે તે બેઠક પર દેડકાની જેમ ફુલાયા.’

‘તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો ..’

‘આઈ વોન્ટ ટુ નો અબાઉટ ધ સેક્સ ટ્રી.’

‘ઈટ્સ વેરી સિમ્પલ લોજીક. અમે નથી ઈચ્છતા કે ‘સેવન ટ્રીઝ’નાં સ્ટુડન્ટ ‘ગમે ત્યાં’ ઈચ્છાપૂર્તિ કરે. દરરોજ એચ.આઈ.વી. ટેસ્ટ થયાં પછી જ સેક્સ ટ્રીમાં પ્રવેશ મળે છે.’

મિસ વેરોનાએ એક કળ દબાવી. ડાબી બાજુની દીવાલ પર ‘સેક્સ ટ્રીઝ’ ઈમારત દૃષ્ટિગોચર થઈ. ત્રણે પુરુષો તે જોવા માટે આગળ ઝુક્યાં. મિસ વેરોનાએ ‘પોઈન્ટ માર્કર’નો રેડ પોઈન્ટ એક કોર્નર પર સ્થિર કર્યો. ‘જુઓ, અહી કોન્ડોમ, અનવોન્ટેડ સેવન્ટી ટુ અને અન્ય ગર્ભનિરોધકો અહી ઉપલબ્ધ હશે. સોફ્ટ અને હાર્ડ બંને સ્વરૂપમાં આવશ્યક સાહિત્ય પ્રાપ્ત હશે.

અનુપ ‘લવ ટ્રી’ શબ્દ બોલ્યો. દીવાલ પર આલીશાન ગગનચુંબી ઈમારત દૃશ્યમાન થઈ. દરેક પ્રકારના પ્રેમસંબંધ ઉગાડવા, વિકસાવવાના ‘ખાતરપાણી – જંતુનાશકો’ અભિનય સમ્રાટો દ્વારા પ્રાપ્ત થવાના અણસાર મિસ વેરોનાએ આપ્યા. ‘પર્સનાલીટી ટ્રી’  વ્યક્તિત્વ નિખારની તાલીમ વિશ્વપ્રસિદ્ધ નામાંકિતો દ્વારા આપવા સક્ષમ હતું. મિસ વેરોનાએ નોલેજ ટ્રી, મેનજમેન્ટ ટ્રી, અચીવમેંટ ટ્રી, કમ્પ્યુટર ટ્રી વિષે બહુ પ્રભાવક રીતે માહિતી આપી. સતી અનસૂયા સામે નિરુપાય સ્થિતિમાં મૂકાયેલા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ જેવી હતપ્રભ સ્થિતિમાં ત્રણે પુરુષો વિદ્યમાન હતાં .

‘ટક ..ટક ..ટક ..’ બારણે ટકોરા થયાં. ઐન્દ્રએ ઝટપટ  ‘સેવન ટ્રીઝ’ ચોસલાને મંજુષામાં નાંખી દીધું. આંખો પટપટાવી દરવાજા તરફ જોયું. સફેદ ગણવેશધારી સેવકે ફ્રિજમાંથી બોટલ કાઢી ગ્લાસમાં પાણી રેડ્યું. ઐન્દ્રની સામે ચોરસ, ગોળ , લંબગોળ ગોળીઓ ધરી. ઐન્દ્રએ ચુપચાપ ગોળીઓ ગળી લીધી.

દરવાજો બંધ થયો. એણે ઝટપટ ચોસલાં ઉલટાવ્યા-પલટાવ્યા. માની સ્મૃતિનું ચોસલું હતું જ નહીં. બોન્સાઈ ટ્રીને સ્પર્શવા એના હાથ સળવળવા માંડ્યા. વ્યર્થ હતું બધું. એના જમણાં હાથનું કાંડું ભારઝલ્લું બની ગયું. ‘વ્હાઈટ ગોલ્ડ બ્રેસલેટ..’ ઐન્દ્રએ એક ચમકતાં ચોસલાંને ઉઠાવ્યું. બારીકાઈથી નિરીક્ષણ શરુ કર્યું. ગઈ સાતમી ઓગસ્ટ. સવારે દસ વાગ્યે બોન્સાઈ ટ્રીને સ્પર્શવા એણે હાથ લંબાવ્યો. બોન્સાઈ ટ્રીના સ્પર્શથી ઐન્દ્ર તે સમયે બાળ ઈન્દુ સ્વરૂપને પામ્યો. ધૂળિયા આંગણામાંથી ધૂળ ખંખેરતો એ  ઉભો થયો. બીલી , આંબો, અર્જુન, આસોપાલવ, લીમડો, વડ અને પીપળાનું  સપ્તવૃક્ષવન. એ સપ્તવૃક્ષવનથી સુરક્ષિત ઘરમાં દોડી ગયો.

‘બેટા એકસો એક વણતૂટેલા બિલીપત્ર તોડી લે.’ માનો મૃદુ અવાજ વહી આવ્યો. ‘ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય ચ.’ શિવલીંગ પર દૂધધારા કરવા ઈન્દુએ તામ્રપાત્ર ધર્યું. શિવલિંગ પાસે માથું ઝૂકાવી કહી દીધું. ‘ હે ભોલેનાથ, મારે કલ્પવૃક્ષ જોઈએ છે..’

‘બેટા ઈન્દુઉઉ..ઉ..’ અવાજથી ઈન્દુએ ઝટપટ આંખો ખોલી. આંબા આસોપાલવના તોરણ બાંધ્યાં. નિ:સંતાન  મુંબઈગરા મામા-મામી માટે માએ સત્યનારાયણ ભગવાનની કથા માની હતી.

લીમડાનાં કૂણાં પાન અને અર્જુન છાલનો ઉકાળો એ પી ગયો. પીપળાને પાણી ચઢાવતી માનો પાલવ પકડીને પૂછ્યું , ‘બધું પછી મા, રાત્રે તું કલ્પવૃક્ષની વાર્તા કહેશે ને ?’

‘કલ્પવૃક્ષ’ એટલે જે માંગો તે હાજર કરી દે તેવું વૃક્ષ.

વટવૃક્ષ તળે હનુમાનજીની દહેરીએ તેલ સિંદૂર ચઢાવી નતમસ્તકે ઈન્દુ બોલ્યો, ‘હનુમાનજીબાપા, કલ્પવૃક્ષ અશોકવાટિકામાં હોય તો જોજોને. મારે જોઈએ છે..’

ધરતીકંપથી ઈન્દુ કંપ્યો. આંખો ખોલી. હનુમાનજી હાજરાહજૂર ! ‘ઈન્દુ, તારે કલ્પવૃક્ષ જોઈએ છે ?’

ઈન્દુએ ડરતાં ડરતાં હા પાડી.

‘મુંબઈ તારા મામાને ઘરે તું જે માંગે તે તને મળશે. પણ..’

ઈન્દુનો શ્વાસ અદ્ધર થઈ  ગયો.

‘પણ ..તારી માની યાદ બોન્સાઈ ટ્રી જ તને અપાવશે.’

ઈન્દુ બેબાકળો થઈ ગયો. હનુમાનજીની વાણી સત્ય ઠરી. બીમાર માની સારવાર અર્થે મુંબઈ મામા લઈ ગયા. મામા-મામીએ નિષ્ણાંત ડોક્ટર્સને રોક્યા. મા મૃત્યુ પામી.ઈન્દુ મામા પાસે રહીને ભણ્યો-ગણ્યો. મોટો થયો અને પરણ્યો. અનુપનો બાપ બન્યો. અનુપની મા છૂટાછેડા લઈ એનાં પ્રેમીને પરણી ગઈ.

ઐન્દ્રનો જમણો હાથ વજનદાર થઈ ગયો. એણે એ હાથને ઝાટક્યો. ‘વ્હાઈટ ગોલ્ડ બ્રેસલેટ’ સફેદ વીંછીની જેમ ત્યાં બાઝી પડ્યું હતું. ઐન્દ્રએ કોલબેલ દબાવી રાખી. સેવક હાંફળો-ફાંફળો દોડી આવ્યો.’કાય ઝાલા સાહિબ ?’

‘આ .. આ.. કાઢી નાંખો.’

સેવકે હાથ ઉઠાવી પ્રયત્ન શરુ કર્યા. ઐન્દ્રએ એ ચોસલાંને પાછળ ઘૂમાવ્યું. એ ગઈ સાતમી ઓગસ્ટના દિવસે અનુપ ‘બ્લ્યુ ડાયમન્ડ’ ઓફીસમાં  લગભગ દોડતો આવ્યો.  ‘હેપ્પી બર્થડે ટુ યૂ. આ મારી તમારા માટે બર્થડે ગીફ્ટ. વ્હાઈટ ગોલ્ડ બ્રેસલેટ..’

ઐન્દ્ર સંતોષથી પુત્ર પ્રેમને માણી રહ્યો.

‘ડેડી, ‘ડેડી, ‘સેવન ટ્રીઝ’નું રીઝલ્ટ ડિકલેર થઈ ગયું છે. મને ફિરસ્ત ક્લાસ મળ્યો છે.’

ઐન્દ્રએ અનુપને છાતીસરસો ચાંપી લીધો. ‘વેલડન માય સન.’

અચાનક અનુપ ઐન્દ્રથી છૂટો થઈ ગયો. ‘ડેડી, આઈ લવ યૂ. તમે કેટલાં થાકેલાં દેખાવ છો. તમારે માટે મેં એ-વન –રૂમ ‘ઓલ ઈન વન’ વૃદ્ધાશ્રમમાં બૂક કરાવી દીધો છે. મને તમારા વગર જરા પણ નહી ગમે. હું એકલો થઈ જઈશ…’અનુપની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા.

ઐન્દ્રને ગળે ડૂમો બાઝ્યો.

ઐન્દ્ર લાગણીની પરાકાષ્ઠાએ પહોંચ્યો.

અને – અનુપ હસી પડ્યો. હસતાં હસતાં બેવડ વળી ગયો. ‘ડેડી..ડેડી..’ બોલતાં બોલતાં બીજાં શબ્દો મોમાંથી છટકી જતાં હોય તેમ હાથ હોઠ પર ઢાંકી ફૂઉઉઉ  કરતો ફરી હસી પડ્યો. ‘ ડેડી, કેવી લાગી મારી ઈમોશનલ એક્ટિંગ ? ‘સેવન ટ્રીઝ’નો ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ છું !’

ઐન્દ્રની લાગણીને જોરદાર ઠેસ વાગી. ‘સેવન ટ્રીઝ’ણો ભ્રમ એ ઠેસથી ચૂરેચૂરા થઈ ગયો. એને લાગ્યું કે કાળા, મુલાયમ રસબસતા કળણમાં એ ઊતરી રહ્યો છે. એણે હાથપગ વીંઝ્યા. કળણ એને ચસોચસ બાઝી પડ્યો. ‘નહી જ નીકળી શકાય આ કળણમાંથી. .’ એ વિચાર આવ્યો. ઐન્દ્ર ફસડાઈ પડ્યો. આંખો ખોલી ઐન્દ્રએ જોયું. એ હોસ્પીટલમાં વિવિધ પરીક્ષણોમાંથી પસાર થતો હતો. નિદાન જાણ્યું ; લકવાનો નાનકડો હુમલો હતો. સામાન્ય હતું બધું. છતાં એના મસ્તિષ્ક પર ભારે અસર થઈ હતી. એ ઝાઝું બોલ્યા વિના સ્મૃતિમંજુષા ઉઘડવાસ કરતો પથારીમાંથી પડી રહેતો હતો.

આજે બોન્સાઈ ટ્રીને સ્પર્શવા ઐન્દ્ર ઝંખી રહ્યો. શવાસનમાં એ પોતાની પ્રિય રમતમાં પડ્યો. એક સામટો સ્મૃતિઓનો ધસારો થયો. એણે બોન્સાઈ ટ્રીનું ચોસલું ઉપાડ્યું.

મુંબઈની ‘વર્મા કેમિકલ્સ’ની નવી ‘બ્લ્યૂ ડાયમન્ડ’ ઓફિસમાં એ પ્રવેશ્યો. તે જ પળે બોન્સાઈ ટ્રી પર એની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. એણે બોન્સાઈ ટ્રીને સ્પર્શ કર્યા. રામનાં સ્પર્શથી શિલા અહલ્યા બની ગઈ હતી તેમ સ્મૃતિ પર જામેલા પદ ખરી પડ્યાં. આકાશવાણીના શબ્દો સંભળાયાં . ‘માની યાદ બોન્સાઈ ટ્રી જ અપાવશે.’ એક ઝણઝણાટી ઐન્દ્રનાં મસ્તિષ્ક સુધી દોડી ગઈ હતી.

ઐન્દ્ર માનાં ખોળામાં માથું મૂકી કલ્પવૃક્ષની વાર્તા ઈન્દુ સ્વરૂપે સાંભળી રહ્યો. અચંબો પામીને એણે હાથ ઉઠાવી લીધો. પુન: બોન્સાઈ ટ્રીને હાથ અડાડ્યો. તુલ્સીમંજરી તોડતો એ મા પાસે ઊભો હતો. ‘બોન્સાઈ ટ્રીનો સ્પર્શ એટલે માની યાદ’ એવું સમીકરણ એનાં મનમાં બેસી ગયું હતું.

દરિયાકાંઠે ‘બ્લ્યુ ડાયમન્ડ’ નામક રિવોલ્વીંગ ઓફીસ દિવસના મધ્યમાં અત્યારે કોઈ જાજરમાન પ્રૌઢાનાં નાકે જડમાં જડતર હીરાની જેમ ચમકતી હતી. ‘બ્લ્યુ ડાયમન્ડ’ની ડાયરેક્ટર ચેમ્બરમાં ડાબે ખૂણે મહાદેવજીના પોઠિયાની જેમ ઢળતી મુદ્રામાં બોન્સાઈ ટ્રી ઊભું હતું.

ઐન્દ્રને તીવ્રપણે માની યાદ સતાવવા લાગી. ચોસલાંને ઉપરતળે કરતાં એનો ચહેરો વિચિત્ર ભાવભંગી ધારણ કરી રહ્યો. એની જીભને કોઈ સ્પર્શ થયો. મીઠાશ પ્રસરી ગઈ. લાડુનો સ્વાદ એની સ્વાદેન્દ્રિય પારખી ગઈ. હાંફળાફાંફળા થઈ એણે આંખો ખોલી નાંખી. એની સામે પારદર્શક પ્લાસ્ટીકના રંગીન ગોળીઓનાં પેકેટ્સ લઈને અનુપ ઊભો હતો.

‘એક ગોળી જીભ પર મૂકો. પસંદગીનાં ભોજનનો સ્વાદ માણો.’ આપણી પ્રોડક્ટની જાહેરાતનું સ્લોગન. ડેડી, ‘વર્મા કેમિકલ્સના રીસર્ચ સેન્ટર’નાં સંશોધકોએ ભોજનનો સંતોષ આપતી ગોળીઓ શોધી કાઢી છે..બર્ગર, પાંવભાજી, નૂડલ્સ , સેન્ડવિચ , ચીકન, આઈસ્ક્રીમ..’ તમામ સ્વાદના વેચાણહકો આપણી મુઠ્ઠીમાં છે. તમને લાડુનો સ્વાદ લાગ્યોને ?’

અનુપ ઉત્સાહથી બોલતો જતો હતો. ઐન્દ્રને મોમાં પાણી વળ્યું. એને કોઈ નવાઈ ન લાગી. કેટલાંક વિચારો એના ચિત્તમાં આમતેમ ફંગોળાયા. પુત્રને ઉછેરવામાં એણે મોટી ભૂલ કરી હતી. ‘સેવન ટ્રીઝ’માં પ્રવેશ અપાવી દુનિયાની નજરે એને સફળ બીઝનેસમેન બનાવ્યો. બનાવટી સંવેદનોથી જીવવાની તાલીમ આપનારી સંસ્થા ! પોતે ‘પ્રેમ’ની તોલે ‘પૈસા’ને વધારે દરજ્જો આપ્યો. તેનું પરિણામ એની સામે હતું. એણે હોઠ ઉઘાડ્યાં, ‘બેટા, બધું મેળવી શકાય. પ્રેમ નથી મળતો પુત્ર. પ્રેમ ખરીદી શકતો નથી.’

‘વન સેકન્ડ ડેડી. મને કહી લેવા દો.’ અનુપ ખુરશી ખેંચી છટાથી બેઠો. ઐન્દ્રનાં હાથમાં એક પકડાવતાં અનુપ ઝૂકીને બોલ્યો, ‘ડેડી, આપણા પ્રોડક્ટની માંગ એટલી વધારે છે કે તમારી પાસે આવવાનો સમય મને નહી મળે. ‘સેવન ટ્રીઝ’માં ઈમોશનલ વાતચીતની તાલીમ મળી હતીને ? તમારી સાથે ભાવનાત્મક વાતચીત કરવાનો ‘અભિનય’ કરીને મેં તમારા માટે પેનડ્રાઈવ તૈયાર કરી છે. તમને એકલું લાગે, મારી યાદ આવે તો જોઈ લેજો. આ ગોળીઓનાં પેકેટ્સ. લાડુના ટેસ્ટ વધારે છે.

એક એક વિધાનની મનોમન સ્પષ્ટતા થતી હતી.

અનુપ ઉઠ્યો.

ડૂબતો માણસ એકાદ વખત જળસપાટી પર આવી તણખલું શોધે તેમ ઐન્દ્ર એકી શ્વાસે બોલી ગયો, ‘બેટા, મને..મને.. ઓફિસનું બોન્સાઈ ટ્રી’ જોઈએ છે.’

એટલું બોલતાં એ ખુબ થાકી ગયો. જવા સંમતિ માંગતાં અનુપે ઐન્દ્ર તરફ જોયું. ઐન્દ્રની આંખો એ વાતનું બયાન કરતી હતી, ‘ બેટા, તું નાનો થઈ જા. ઉછેરવો છે મારે તને પેલાં સપ્તવૃક્ષવનની છાયામાં. ‘સેવન ટ્રીઝ’નો ઓછાયો ન પડે એટલે દૂર. આ ‘બનાવટી’ બિઝનેસ છોડી દે.’

ઐન્દ્રનાં શબ્દો ખંખેરી અનુપની પીઠ દરવાજો વળોટી ગઈ.

કોઈ પણ રીતે અનુપને પાછો વળી શકાય. માં પાસે કોઈ ઉપાય હશે. અનુપ આખી જિંદગી જીવી શકશે. તમામ અભાવો વચ્ચે પોતે માના પ્રેમથી કેટલો પરિપૂર્ણ હતો ! વાંસની જેમ આડેધડ ફૂટી નીકળતા વિચારોને હઠાવી દૂર સરી જતાં અનુપને પકડવા એ ઉઠ્યો. એનું સર્વંગ દર્દથી રેતી રેતી થઈ ગયું.

એ –વન ખ્ન્દનો દરવાજો ખૂલ્યો. ઐન્દ્રએ આશાથી જોયું. અનુપને કોઈ રીતે સમજાવી શકાય. સેવકે બોન્સાઈ ટ્રી ટેબલ પર મુક્યું. દરવાજો બંધ થયો. ‘ મા, મને તારી ખૂબ જરૂર છે. તું ..’ ઐન્દ્રએ હાથ ઉંચો કર્યો. ઐન્દ્રને લાગતું હતું કે બોન્સાઈ ટ્રી દૂર દૂર જતું હતું. એનો જમણો હાથ લંબાતો જતો હતો. પરંતુ બોન્સાઈ ટ્રી એની પહોંચથી દૂર જતું હતું.

‘મા, મારે કલ્પવૃક્ષ નથી જોઈતું. તું જોઈએ છે..’

એક પળ એને થયું. તુલસીમંજરીથી મહેંકતો માનો ચહેરો એના પર ઝળૂંબી રહ્યો છે.

ભયંકર વીજળીનો કડાકો થયો. ઐન્દ્રનું અંગેઅંગ ભયથી ધ્રુજી ઉઠ્યું. માનો ચહેરો અદૃશ્ય થઈ ગયો. મને જોવા બ્હાવરી બનેલી આંખો ચકળવકળ થતી રહી.

નીરવ ખંડમાં ઐન્દ્રનાં મસ્તિષ્કમાં સ્મૃતિ ચોસલાં ઘૂમરાવા લાગ્યાં. સ્મૃતિ સરકતી સરકતી આંગળીનાં ટેરવે આવીને અટકી ગઈ. ઐન્દ્રનો જમણો હાથ અદ્ધર રહી ગયો. વેદનાએ એના ચહેરા પર ચિતરામણ કર્યું. એ અસ્પષ્ટપણે બોલ્યો , ‘મા, હું જાઉં છું..’

બોન્સાઈ ટ્રી ઐન્દ્ર તરફ ઢળતી મુદ્રામાં અકબંધ યથાવત્ ઊભું હતું.