Yaad

યાદ, જેને તમે હજારવાર ભૂલવાની કોશિશ કરો છતાં આવી જ જાય. ગમતી અને અણગમતી.

મારા મનમાં રોષ તરી આવ્યો. હું જ શા માટે યાદ કર્યા કરું એને ? એણે મને યાદ ન કરવી જોઈએ ? એના મનમાં કોણ જાણે શું ચાલી રહ્યું હશે ? ‘ ના, ના હું પ્રેમ નથી કરતી તને ..’ હું બોલી ઉઠી. એ અવાજ સાંભળીને હું મને આયનામાં જોઈ રહી. હું કોને કહી રહી છું . એક મહિનો વીતી ગયો છે એ વાતને.

ધીમે ધીમે કોલબેલ વાગી રહી છે. કોઈ આવ્યું છે ? એ તો નહી હોય ? એવી ઝડપ આવી જાય છે ચાલવામાં . હું દરવાજો ખોલું છું. ‘કુરિયર છે મેડમ.’ કહી જેમાં મારી વાર્તા આવી છે તે મેગેઝીન મને આપે છે એ માણસ. હું મેગેઝીન ખોલું છું. બીજી બે વાર્તાઓ પ્રેમભીની વાર્તા છે. પ્રેમ પ્રેમ ? માણસને પ્રેમ સિવાય બીજો વિષય જ સૂઝતો નથી વાર્તા માટે ?

મારી બાજુના ઘરમાં તાજા તાજા પ્રેમમાં પડેલા યુગલને બારીમાંથી હું નીરખી રહી હતી. બસ આ થોડો સમય. પછી વાસી રોટલીની જેમ આ પ્રેમ પણ ચવડ થઈ જશે.

બે ચાર વાક્યો હવામાં તર્યા કરે છે : હું તને પ્રેમ કરું છું. બહુ જ બધો. પ્રેમની જલશીકરો ઉડે છે અને હું એમાં ભીંજાઈને ખોવાઈ જાઉં છું એની યાદોમાં . એ જાણે મને તાકી રહે છે. કોઈ ફેવિકોલની જેમ એની આંખો એવી ચોટી ગઈ છે કે ઉખડતી જ નથી. મારા શરીર પરથી હું. માછલીના ભીંગડાની જેમ એ આંખોને ઉખેડું છું અને ઢગલો થઈ જાય છે. દ્રોપદીની સાડીની જેમ એ આંખોના ભીંગડા ઉખડવાનો અંત આવતો જ નથી. આખરે હું થાકી જાઉં છું. અને એને જોવા દઉં છું.

‘હું તને પ્રેમ કરું છું.’ એની આંખો બોલે છે. આંખોમાં દરિયો ઘૂઘવે છે.. એની આંખો જાણે આસમાની દરિયો. મારી આંખો જાણે કાળો ઊંડો કુવો. એ એનો પ્રેમ મારી આંખોમાં ઠાલવતો જ જાય છે અને મારો કુવાની ઊંડાઈ ધીરે ધીરે ભરાય છે અને સપાટી ઉપર તરી આવે છે ઊંડાણમાં બોલાયેલા શબ્દો :  હું તને પ્રેમ કરું છું .

મને કોઈ ખેંચી રહ્યું છે. હું જોર કરીને સપાટી પર રહેવા મથું છું. પણ  મને વીંટળાઈ વળે છે ..એની નજરો, પ્રેમમાં ઝબકોળાયેલા મીઠાં મીઠાં શબ્દો, સ્પર્શના ઇન્દ્રધનુષ…હું પ્રેમથી ગુંગળાઈ જઈશ. ‘ આમ શ્વાસ લીધાં વગર હું મરી જઈશ.’

‘હું તને મરવા નહી દઉં. મારા શ્વાસ છે ને ?’ કહી એણે મને એના શ્વાસ ઉછીના આપ્યા હતાં. મેં કહ્યું હતું : ‘ તું જુઠ્ઠું બોલે છે, તારા શ્વાસથી હું કેવી રીતે જીવી શકું. અને હું તારા શ્વાસથી જીવું તો તું કેવી રીતે જીવે ?’

‘ એ જ તો પ્રેમ છે પાગલ, પ્રેમમાં એકબીજાના ઉછીના શ્વાસથી જીવવાનું હોય છે.. ‘

 ‘ક્યારે મળીશું ?’ એ મારા કાનમાં પૂછે છે . હું કહું છું. “કાલે’ અને એની આંખોમાં નર્યું આશ્ચર્ય છે. જાણે માછલીઓનું ઝુંડ . એ મારો હાથ છોડી બહાર નીકળી જાય છે. આખો રસ્તો જાણે એની પાછળ જતો દેખાય છે. મારું હ્રદય ડરના માર્યા ધડક્યા કરે છે જોર જોરથી. સમયને હું ઝપટમાં લઉં છું : ‘આમ શું જોયાં કરે છે મને તાકી તાકીને ?’ એ પણ થીજી ગયો છે. ઘડીયાળના કાંટા પર.

ક્યાંકથી ભટકતી ભટકતી આવી પહોંચી છે એની યાદ..યાદોને હું ઉલેચવા માંડુ છું. કોઈ લાલ, ગુલાબી, કેસરી, પીળી …રંગબેરંગી યાદોના ઢગલા થઈ ગયાં છે.

મારા હોઠ પર એના શ્વાસ મુકીને મને પૂછે છે : શા માટે તું યાદોને ઉલેચે છે ? તારી આંગળીઓમાંથી લોહી ઝમે છે જો . યાદો ઉલેચી ઉલેચીને. યાદો કોઈ વસ્તુ નથી એ તો પ્રેમ પદાર્થ છે, મધ જેવો. એની મીઠાશ તને લાગી ગઈ છે એ સમુળગી નહી ઉલેચાય. મધમાખી જેવી યાદોના ડંખ તારાથી સહન નહી થાય.

‘તું કોઈ બીજાને ચાહે છે ?’

‘ના.’

‘તો ? આવતો કેમ નથી ?’

‘કાલે આવીશ, તે કહ્યું છે ને કે કાલે આવજે.’

‘ આ કેવો સમય થીજી ગયો છે, કાલ ઉગતી જ નથી.’

‘ કહે મને , તને મારો પ્રેમ ખોટો લાગે છે  ?’

‘મારા પર પ્રેમ હોત તો તું આવ્યો જ હોત મને મળવા.’

‘પણ મારી કાલ ઉગતી જ નથી અને..’

‘તને મારા પર પ્રેમ હોય તો તું આવે જ ને ?’

‘તું કહે ક્યારે આવું ?’

‘અબઘડી. હમણાં જ . આજે જ .’

અને યાદોના કાંગરા ખરી રહ્યા છે અને સોનેરી ઘોડા પર સવાર થઈને એ આવી રહ્યો છે..ઘોડાના ડાબલાનો અવાજ હવામાં ગુંજી રહ્યો છે.

‘ક્યાં છે તું ?’ એ ઘરમાં પ્રેવેશે છે. સોફા પર બેસે છે . આખું ઘર એને આવકારી રહ્યું છે.

સફેદ દિવાલો પર મેં લખ્યું.. અને એ અક્ષરોને ઉકેલીને એના હોઠ પર સ્મિત આવી ગયું. એણે આંખોથી પૂછ્યું : બોલ..

‘હું તને પ્રેમ કરું છું..’ યાદોના બર્ફીલા પહાડો તૂટ્યા અને પ્રેમનો જ્વાળામુખી ફાટ્યો ; એના રસબસ લાવામાં અમે ઓગળી ગયાં.